Wednesday 1 June 2016

Micro-fiction Story

1) કંજુસાઈ


કંજુસાઈના પર્યાય એવા મી. માથુરને તેના લખપતી પડોશી સોભાગભાઈની દરીયાદિલી જોઈને ખુબ દુઃખ

થતું. હદ તો ત્યારે થઇ જયારે સોભાગભાઈએ તેના પૌત્રના જન્મદિવસ નિમિતે, એક જુવાન ભિક્ષુકને ચાર

દિવસ ચાલે તેટલું ખાવાનું અને મીઠાઈ આપી દીધી.

મી. માથુરથી રહેવાયું નહિ એટલે તેણે બીલી પગલે આ હુષ્ટ-પુષ્ટ ભિખારીનો પીછો કર્યો પણ તેની આંખો

ચાર તો ત્યારે થઇ ગયી કે આ ભિખારી બધું ખાવાનું નાલા નીચે રહેતા ભિખારી કુટુંબોને વહેંચતા હતા...


2) ડોક્ટર કે ભગવાન


એકના એક પુત્રના અવસાનથી અપસેટ થયેલી આરતી ઘરમાં આવતા જ સોફા પર ફસડાઈ પડી અને ધ્રુસકે

ધ્રુસકે રડવા માંડી. પતિ ડો. વિક્રાંતે પીઠ પસવારતા હાથમાં પાણીનો ગ્લાસ આપ્યો. એકાદ ઘૂંટડો પાણી પીને

સ્વસ્થ થયા બાદ આરતીએ કહ્યું, "તમે તો આનાથી પણ અઘરા ઓપરેશન સફળ કર્યા છે તો આપણા

આશુતોષને કેમ ના બચાવ્યો..?" આરતીની આંખમાં વળીપાછા આંસુ ઉભરાઈ આવ્યા.

પોતાની ડોકટરી કારકિર્દીમાં સફળતાનાં સોપાનો સર કરીને ઘણે આગળ નીકળી ગયેલા ડો.વિક્રાંત મહેતા

એટલું જ બોલી શક્યા, "આરતી, મેં તો ફક્ત ઓપરેશનો જ કર્યા હતા, સફળ તો....."


3) મહેમાન


અમે આખા ફેમિલી સાથે અમારા જુના સંબંધીને ઘેર અચાનક મહેમાન બનીને ટપકી પડ્યા. ઘરના મોભી

સંતોકમાં, અમે અચાનક આવી ચઢતા થોડા આકુળ - વ્યાકુળ થઇ ગયા હતા. ઘરની નાની વહુ પણ અમારે

જમવાનું બાકી છે તે જાણીને ધુવા-ફુવા થઇ ગઈ. "ચાલો બા, આપણે કાંકરિયા ઝૂમાં વાંદરા જોવા નથી

જવાનું ?" એવા પાંચ વર્ષના આર્યનના પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સંતોકમાં એટલું જ બોલ્યા, "ઘેરે મહેમાન

આવ્યા છે ને, તારે કાંકરિયામાં વાંદરા જોવા જવું છે...!!"


4) ગ્રીન માર્ક


નોન-વેજનાં ચુસ્ત વિરોધી એવા જૈન પરિવારની વહુ તેના સાસુમાંને, મોલમાં વસ્તુ ખરીદતી વખતે ગ્રીન

માર્ક વિષે સમજાવતી હતી, "મમ્મી આપણે દરેક વસ્તુઓ ગ્રીનમાર્ક જોઈને જ ખરીદવી" ત્યાંજ પાછળની

બાજુ કાપડની ખરીદી કરી રહેલ મુસ્લિમ પરિવારમાંથી કોઈ બોલ્યું, "અમારે એકદમ ગ્રીન કલરની ચાદર

શેત્રુંજયના અંગરશા પીરને ચઢાવવા જોઈએ છે"


5) આખરે મારુ હૃદય તારા હાથમાં જ છે.


ડો.સૌરભ શેઠ એક અત્યંત ખ્યાતનામ અને સફળ કાર્ડિયોલોજીસ્ટ હતા. ગર્ભ શ્રીમંત એવા

સૌરભભાઈ આજે ગુજરાતના દરેક મોટા શહેરોમાં પોતાના ચાર્ટડ પ્લેનથી જ મુસાફરી કરી

ટેક્નોલોજીની મદદથી direct ઓપરેશન થિયેટરમાં સીધા વાઢકાપ સમયે જ પહોંચે એવી વ્યસ્તતા

ધરવતા ડોક્ટર છે. 30 વર્ષની વયે સફળ ઓપરેશન કરવામાં તેમણે જબરદસ્ત નિપુણતા મેળવેલી

છે. કોઈ પણ અઘરામાં અઘરો કેસ પણ તેમના યશવાળા હાથે સફળ થઇ પડતો. પણ આજે તેમની

ખરી કસોટી આવી પડી હતી. પોતાની ઉંમરની કોઈ ગરીબ સ્ત્રીના હૃદયનું ઓપરેશન કરતાં કરતાં

સૌરભ આજે અચકાઈ રહ્યો હતો. બાજુમાં રહેલા ડો.ને કહ્યું, "આટલું કોમળ હૃદય તો મારા 10,000

ઓપરેશનમાં ય મેં નથી જોયું" થોડી સ્વસ્થતા મેળવી જયારે પેશન્ટનું નામ વાંચ્યું ત્યારે સૌરભની

આંખો પહોળી થઇ ગઈ. પોતાની ઉજ્જવળ ડૉક્ટરી કારકિર્દી માટે જેની ઉર્મિઓને ત્યજી, જેની

આંખોમાં આંસુનો દરિયો મૂકી પીતાની શ્રીમંતાઈની સાખ જાળવી રાખવા નકારી કાઢી હતી તે જ....??


6) Jobless...??


સાંજ પડી ગઈ એની રાહ જોતા જોતા... અને એનો અવાજ સંભળાયો. એ ભાગીને મારા તરફ

આવી. અત્યંત આનંદના આવેશમાં તેણી બધાની વચ્ચે મને વળગી પડી, ધીરેથી મારા ગાલ પર

ચુમ્મી લઇ પોતાના વિજેતા થવાના ખબર આપ્યા.... દુનિયાનો સર્વશ્રેષ્ઠ હોદ્દો અને જોબનો આનંદ

ઉઠાવી રહ્યો છું...


7) બધું એવું ને એવું જ


આજે મારી કોલેજમાં ગયો હતો. બધું એવું ને એવું જ હતું. એ જ ગેટ, કલાસરૂમ, લેબોરેટરી, લાઈબ્રેરી, પાળી

પર ગપ્પાં મારતા અમે મિત્રો અને આ ....કેન્ટીન, કોલેજ કાળનો સૌથી વધુ સમય અમે અહીં વિતાવ્યો હતો.

બધા જ અજાણ્યા ચહેરા. પણ જાણે બધાને ઓળખતો હોય તેવું લાગતું હતું. જોતા જોતા આમ ચહેરા પર

આનંદ છવાઈ ગયો અને અચાનક જ કોઈનો હાથ મારા ખભા પર પડ્યો, કોઈ પરિચિત હોય તેવો અવાજ

કાને આવ્યો "અંકલ, તમારી ચા પતિ ગયી હોય તો અમે બધા અહી બેસી શકીએ ...?"


8) મને ગમતું


વહેલી પરોઢિયે મને વિચાર આવ્યો, ચાલો આજે નાટક કરીએ... હું સવારે ઊઠું જ નહિ તો ? ખરેખર

અકલ્પનિય... સવાર થતા જ બધા ભેગા થઇ ગયા, મારા પર ચાદર ઓઢાળવામાં આવી ફૂલો ચડાવ્યા...

સરસ મજાની મને ગમતી અગરબત્તી સળગાવવામાં આવી હતી. મારા આશ્ચર્ય વચ્ચે મને ગમતી ન હતી

તે વ્યક્તિઓનો મારા પ્રત્યેનો ખરો પ્રેમ વ્યક્ત કરતી જોઈ ... મને હજુ ઉત્સુકતા થઇ, હજુ ચાલુ રાખીએ... ન

કહી શક્યા હોય તેવા સંબંધોની આજે મને જાણ થઇ. મારા સગાઓ - મિત્રો પ્રત્યેના બધાજ ખરાબ અભિપ્રાયો

ધોવાઈ ગયા.

હવે મને આનંદનો પાર ન હતો. પણ....., મારુ કહ્યું તે લોકો સાંભળતા જ ન હતા... અરે, અરે... મને જીવતો

સળગાવવા માંગતા હતા. મેં મારા સગાઓ અને મિત્રો પ્રત્યેનો અપાર પ્રેમ અને અચાનક આ ગરમ-ગરમ

અગ્નિ... ન સહન થાય... અને ત્યાં જ અચાનક કોઈના મોબાઈલમાં જોરથી કૂકડો બોલ્યો. આ એન્ડ્રોઇડ

ફોનનો એલાર્મ પણ....

No comments: