Wednesday 16 January 2013

એ કાપ્યો છે….!!  


               યા વરસની દિવાળીનો ડામચ્યો સળગાવ્યા બાદ ગંગારામબાપાને તેનો કપાતર કરસન આંખના કણાની જેમ ખટકતો હતો. આ ઉતરાયણ પર જો કરસન પતંગનો ખર્ચો કરાવશે તો હું પણ મારું પાણી દેખાડી દઈશ, એવી દાજ દાઢમાં ભરીને ગંગારામબાપા ડેલીએ હોકો ગડગડાવતા બેઠાં રહેલા. કરસન પણ બાપાની વાત કળી ગયો હોય તેમ આ વખતે પતંગ ચગાવવાની મોજ પતંગ લૂંટીને જ પૂરી કરવાની આગોતરી તૈયારી કરવા માંડી પડ્યો.
             કરસન તેના મિત્રોની ટોળકી મોટી ને મોટી કરવા મંડી પડ્યો. તેની ટોળકીમાં થોભણ, વસરામ, છગન અને ભીખો તો ખરા જ પણ તે સિવાયના જેટલા સાથે કિટ્ટા કે અબોલા કર્યા હતા તે બધાને બિલ્લા કરીને પોતાની ટોળકીમાં સામેલ કરવા માંડ્યો. કરસનના ભેરુઓની સંખ્યા જર્મનીના હિટલરની સેનાની જેમ મસ મોટી થવા માંડી. જોત જોતામાં ઉતરાયણનો દિવસ નજીક આવી ગયો. ઉતરાયણની આગળની રાતે જ કરસને શહીદ ભગતસિંહની જેમ એક ગુપ્ત મંત્રણા માટે મીટિંગ બોલાવી. બધા સાથીદારો કરસનના ઘરની પાછળના વાડામાં ભેગા થયા. વગર કહ્યે પ્રમુખ બની બેઠેલા કરસને મુખીની જેમ ખોંખારો ખાઈ બધા ભેરુઓને તેનો પ્લાન સંભળાવ્યો. પ્લાન સાંભળતા જ આખી ટોળકી આનંદથી નાચી ઉઠી.
            બીજા દિવસે સવારે ગામડા-ગામમાં ઘેરે-ઘેરે ને ઓટલે-ઓટલે લોકો પીપર, મમરાના લાડુ, શેરડીના ઢબુકા, ચીક્કી અને ગોળ પાપડીનાં થાળ ભરીને બેસી ગયા હતા. ગામના બીજા છોકરાઓ હજી ઘરની બહાર નીકળતા હતા, ત્યાં તો કરસનની ટોળકીએ બધાની કથરોટો ખાલી ખમ્મ કરી નાખી. બીજા છોકરાઓને મો બગાડીને પાછું જવું પડ્યું. કરસનની ટોળકી બધો મુદ્દા-માલ સાથે તેના વાડામાં ભેગી થઈ. એક-બીજાના બુશકોટ બદલાવી, મોઢા પર મફલર બાંધી ચાર-ચાર, પાંચ-પાંચ વખત બધેથી પીપર, શેરડી, ચીક્કી ને ગોળ-પાપડી બધું ભેગું કરી વાડામાં ઉજાણી કરી. આખી ટોળીના એન્જિનમાં જાણે નવું પેટ્રોલ પુરાયુ હોય તેમ ખાઈ-ખાઈને આડા પડી ગયા બાદ હવે બધા આગળનો પ્લાન સફળ બનાવવા માટે કરસનની અગાસી પર વારા-ફરતી સરકતા-સરકતા ગંગારામબાપાની નજર ચૂકવી ભેગા થયા. અગિયાર-બાર જણની ટોળકી અગાસીમાં આવીને ગોકીરો બોલાવવા માંડી. આજે કરસનને પણ રુંવાડે રુંવાડે આનંદના ફુવારા છુટતા હતા.
                   ખુલ્લા આકાશમાં આસમાની રંગનું સ્થાન હવે લાલ-પીળા પતંગોએ લેવા માંડ્યું હતું. કોઈ બાંડો પતંગ હવામાં તરતું મુકતું તો કોઈ પૂછડું લગાડીને ઢીલ દેતું. ધીમે-ધીમે આખું આકાશ કલર-કલરના પતંગોથી છલકાવા લાગ્યું. બધા પોત-પોતાની પતંગો અને દોરીઓ સંભાળવામાં મશગુલ હતા. નવરા હતા તો માત્ર કરસનના આ અગિયાર સાથીદારો, જે મો વકાશીને આજુ-બાજુ ઉડતી પતંગો પર બાજ નજર રાખી રહ્યા હતા. એવામાં કોઈકની પતંગ કપાઈ……! અને અડધા ગામમાં હુરિયો બોલ્યો… બધાની અગાસી પરથી અવાજ આવવા લાગ્યા… “એ કાપ્યો છે….!! કપાયો-કપાયો…” ના પોકારો થવા માંડ્યા.
                 અચાનક કરસનની નજર ગઈ, તેણે થોભણના કાન પાસેથી પીળા રંગની દોરીને ઝડપથી પસાર થતી જોઈ અને આકાશમાં દુર-દુર એક પતંગ લથડિયા ખાતો પણ જોયો. અનુભવી કરસનને વાત સમજતા વાર ના લાગી. તેણે તો ગરગળતી દોટ મુકી, થોભણના કાન પાસેથી નીકળતી દોરી પકડવા હાથના પંજાનું જાવું માર્યું. દોરી તો પકડાઈ ગઈ પણ હવામાં વીંજાયેલા હાથને ડીસ્ક-બ્રેક નહિ હોવાથી થોભણના ગાલ પર કરસનનો જોરદાર મુક્કો લાગી ગયો. થોભણ લથડી ગયો અને અચાનક થયેલા કરસનના આવા આક્રમિક હુમલાથી ડઘાઈ ગયો. તેની આંખોમાં આંસુ સાથે ગુસ્સો ભળતા લોહી પણ તગ-તગવા માંડ્યું અને તેણે સામે કરસનને બોચીમાંથી પકડી નીચે પછાડવાનું વિચાર્યું. ત્યાં તો કરસનના હાથમાં પતંગની દોરી આવી ગઈ છે એ સત્ય બધાને ધ્યાનમાં આવતા જ બધા ગેલમાં આવી ગયા અને ખુદ થોભણ પણ નાચી ઉઠ્યો. પતંગ હાથમાં આવતા જ કરસને બાજુની અગાસીવાળા બચુભાઈનાં બાબુળાનો પતંગ પેચમાં લીધો અને એવો પેચ લગાવ્યો કે તેનો પતંગ કપાઈ ગયો અને બાબુળાના હાથમાંથી દોરી પણ સરકી ગઈ, ત્યારે તેને ખબર પડી કે પતંગની દોરી મારા હાથમાં નથી બીજા કો’કના હાથમાં ચાલી ગઈ છે…..!! કરસનની છત પર “કાપ્યો છે…!!” ના પોકારો મોટે-મોટેથી આવવા લાગ્યા. કરસન તો એક પછી એક એમ બધા પતંગો પર પેચ લગાવવા માંડ્યો. વારાફરતી કરસનની આખી ટોળકી પાસે એક-એક પતંગ આવી ગયો.
                 પણ મુશ્કેલી એક હતી કે કપાઈને આવતા પતંગો ચગાવવામાં તેની સાથે દોરી ઓછી હતી અને આ આખી ફક્કડ ગિરધારી ટોળકી પાસે તો કંઈ હતું જ નહિ. એટલે કરસને પતંગ ચગાવવાનું ભીખાને સોંપી પોતે તેની અગાસીથી થોડે દુર આવેલી અગાસીમાં નજર નાખી તો બધા લોકો ખાવા-પીવામાં મશગુલ જણાયા અને પાકા દોરાની આખી ફીરકી રેઢી પડેલી દેખાઈ. કરસનથી રહેવાયું નહિ. વચ્ચે એક અરજણ સુથારનું ખોરડું હતું. કરસને તો વાંદરાની જેમ છલાંગ મારીને અરજણભાઈનાં નળીયાવાળા ઘર પર ઉતરાણ કર્યું અને પછી બિલ્લીપગે મોભારાને પકડતા-પકડતા કરસન આગળ વધતો હતો. કરસન ચાર પગે બિલ્લી ચાલે અરજણ સુથારના ખોરડા પર અધવચ્ચે પહોંચ્યો ત્યાં જ વસરામે ગાળાફાટ રાડ પાડી “એ…. કરસન….!! ઉપર જો…!! પતંગ જાય… કપાયો….!!” કરસને બે પગ ટેકવી માથું ઊંચું કરી જોયું તો ત્યાં જ લાંબી દોરી સાથે પોણા બે ફૂટનો પતંગ સરકતો જતો હતો. કરસન લાલચને રોકી ના શક્યો ને થોડુંક જ લાંબુ થવાથી પતંગ પકડાઈ જશે એવી આશાએ શરીર ઝુકાવ્યું. પણ દેહનું સમતોલન ના રહેતા, વગર પતંગે કરસન ગબડતો-ગબડતો કેટલાય નળિયાનું કચ્ચરઘાણ વાળીને નીચે આવ્યો. નીચે રસોડામાં અરજણની પત્ની પુરીભાભી ચીક્કી બનાવતી હતી તે તવામાં જ કરસન ખાબક્યો.
           અશોકવાટીકામાં ઝાડ પરથી હનુમાનજીએ કુદાકડો માર્યો હતો ત્યારે સીતામાતાને આશ્ચર્ય થયું હતું તેનાથી દસગણું આશ્ચર્ય અત્યારે પુરીભાભીને થયું. એ તો ફાટી આંખે જોઈ જ રહ્યા… “આ મારુ રોયું ઉપરથી શું ખાબક્યું…?” અને માંડ્યા રાડા-રાડી કરવા. કરસનનું પછવાળુ દાઝી જવાથી, ‘હોય માડી ને હોય બાપલીયા’ કરતો બુમ-બરડા પાડતો ભાગવા હારું બટા-ઝટી બોલાવી રહ્યો હતો. જેવો કરસન રસોડામાંથી બહાર નીકળ્યો કે ત્યાં જ સામે અરજણ સુથાર મળ્યો ને તેની સાથે ભીંતની જેમ ભટકાણો. અરજણ હજુ પુરીના બુમ-બારડાનું કારણ સમજે તે પહેલા તો એ પોતે જ કરસનની બ્રેક વગરની ગાડીથી એવો ઊંધે કાંધ પડ્યો કે પુરીભાભી કરતા તો અરજણની બુમો વધી ગઈ. કરસન તક સાધીને જલ્દી ખુલ્લી ડેલીએથી બહાર ભાગી છૂટ્યો. આખી શેરીને આંટો ફરીને પાછો પોતાના ઘરમાં દાખલ થયો ત્યાં તો સામેનું દ્રશ્ય જોઈને કરસન છક્ક થઈ ગયો. તેને થયું કે અત્યારે જો ધરતી મારગ આપે તો એમાં સમાઈ જાઉ. ગંગારામબાપા ખાટલામાં ટટ્ટાર થઈને બેઠાં હતા. હાથમાં કડીયારી ડાંગ ને લાલઘુમ આંખો હતી. સામે આખી ટોળીના બધા સભ્યો અદબબંધ લાઈનમાં નીચી મૂંડીએ ઊભા હતા. જાણે ગબ્બર એક-એકને પૂછી રહ્યો હોય કે, “કાલીયા તેરા ક્યાં હોગા…?” ઘણાયને કે’વાનું મન થયું હશે કે “બાપા, હમને આપ કે ગાંવ કી ચીક્કી ખાઈ હે….!!’ પણ ગંગારામબાપાનાં સ્વભાવથી પરિચિત એવા કરસનના ભેરુઓ કરસનની જ કોઈ ફરીસ્તાની જેમ રાહ જોઈ રહ્યા હતા. આવા ગંભીર વાતાવરણમાં કરસન આવી ટપકતા, ભૂખ્યો સિંહ જેમ શિકાર સામે આવતા જ છલાંગ લગાવે તેમ ક્યારના રાહ જોઈ-જોઈને સુકાઈ ગયેલા ગંગારામબાપાની આંખોમાં ચમક આવી ને ઇલેક્ટ્રિક રોબટની જેમ ખાટલામાંથી ઊભા થાતાકને કરસનને બોચીયેથી પકડી મારવા લીધો. એ તો સારા ભાગ્ય કરસનના કે તેના સાથીદારો હાજર હતા તે છોડાવ્યો, નહીતર આ ડોસો કરસનને ટીચી જ નાંખત. થયું હતું એવું કે સવારે આખા ગામની પ્રસાદીનો નાસ્તો કરી જનાર કરસનની ગેંગની ફરિયાદ ગામના કેટલાય લોકો ગંગારામબાપાને કરી ગયા હતા. અને કરસન સવારનો દેખાયો નો’તો એટલે ગંગારામબાપાનું એન્જિન હીટ પકડી ગયું હતું.
      સીઘ્રામાંથી પાઈપ છટકે એમ કરસન ગંગારામબાપાનાં હાથમાંથી નીકળી સીધો ખડકીની બહાર ભાગ્યો, પાછળ આખી સેના. સાંજ પડી તોય કરસન ઘેરે ન આવ્યો. જીવીબેનનો જીવ પડીકે બંધાઈ ગયો. રોયો હજી નો આઈવો, ક્યાં ગુડાણો હશે…?!! જીવીબેને આખી રાત ઉપાધીમાં કાઢી. સવારે ગંગારામબાપા આખું ગામ ખુંદી વળ્યા પણ કરસનનો પત્તો ક્યાંય મળ્યો નહિ. તેના એક-એક ભાઈબંધને ઘેર જઇને માતાજીના સમ દઈને ગંગારામબાપાએ પૂછ્યું પણ કોઈ કરતા કોઈને ખબર નો’તી કે કરસન ગયો ક્યાં…?? કરસન અચાનક જ રહસ્યમય રીતે ગાયબ થઇ જતા બધે દુઃખનું મોજું ફરી વળ્યું.
           અંતે ગંગારામબાપાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને ઉતરાયણની પતંગથી પણ વધારે પૈસા ખર્ચી છાપામાં જાહેર ખબર છપાવી કે ‘મારા વહાલા દીકરા કરસન, તું જ્યાં હોય ત્યાંથી ઘર ભેગો થાજે. તારી બા રોઇ-રોઇને અડધી થઇ ગઈ છે. તને કોઈ વઢશે કે ડારો નહિ દિયે. તારે જોઈએ એવી અને જોઈએ એટલી પતંગ હું તને લઈ દઈશ. – લી.તારા બાપા’ આ ખબર છાપામાં છપાણા. સવારના પહોરમાં ગંગારામબાપા ઉદાસ મોઢે હાથમાં છાપું લઈને તેણે છપાવેલી જાહેર ખબરમાં ‘ખોવાઈ ગયેલ છે’ કોલમમાં પોતાનો સુપુત્ર (પહેલા લાગતો કુપુત્ર)ની જાહેર ખબર વાંચી રહ્યા હતા. મોઢા પર ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા. એવામાં ગંગારામબાપાની નજર નીચે બીજી જાહેરાત પર ગઈ…. અને એ વાંચતા જ ગંગારામબાપાનાં બોખલા મોં પર હાસ્ય ફરી વળ્યું. એ જાહેરખબર આ પ્રમાણે હતી… ‘જોઈએ છે – ફક્ત ૩ દિવસ માટે… પતંગ લૂંટી શકે તેવા બાહોશ, ચપ્પળ, લડાયક અને મજબૂત લુંટારા ! બીજાના ચાલુ પતંગની દોરી ખેંચીને તોડી નાખવાની ક્ષમતા ધરાવનારને પ્રથમ તક ! પગાર તરીકે રોજ ૫-મમરાના લાડુ, ૨-તલની ચીક્કી, ૧-શેરડીનો સાંઠો અને ૨૦-બોર આપવામાં આવશે. જલ્દી કરો, વહેલા તે પહેલા ! ઉત્સુક વ્યક્તિઓ સંપર્ક કરો – પતંગબાજગુજરાતી@ઉતરાયણ.કોમ !!’
                આ સમાચાર વાંચતા જ ગંગારામબાપાને પાક્કું થઈ ગયું કે મારો કરસન અહી જ હોય. તેણે તો તરત જ હાથમાં છાપું લઈને છાપાવાળાને ત્યાં દોટ મૂકી. છાપાના તંત્રી પાસેથી તે જાહેરખબર છપાવનારનું સરનામું લઈને ગંગારામબાપા ત્યાં પહોંચ્યા…. જઈને જોયું તો કરસન નીચી મુંડી કરીને પતંગના કાના બાંધતો હતો…. ગંગારામબાપાએ તો હરખમાં ને હરખમાં કરસનના બરડે બે ધબ્બા મારી દીધા…!! બાવડું પકડી ને ઘેરે લાવ્યા.
           આમ કરસન મળી જવાથી રાજીના રેડ થઈ ગયેલા ગંગારામબાપા પાછા ડેલીએ હોકો ગડગડાવતા બેઠા……!!

For Public Review

Monday 7 January 2013

કળકળતી ટાઈઢમાં ઉનું - ઉનું હાસ્ય....!!

પત્ની : ‘કહું છું સાંભળો છો ?’
પતિ : ‘હં…..’
પત્ની : ‘અત્યારે માર્કેટમાં તેજી ઘણી છે. તમે પ્રોપર્ટીમાં ઈન્વેસ્ટ કરો….’
પતિ : ‘પહેલાં તું પ્રોપર-ટી (ચા) તો બનાવતા શીખ, પછી મને પ્રોપર્ટીની શિખામણ આપજે…!’
******

છગન (ડોક્ટર સાહેબને) : ‘મને છેલ્લા પંદર દિવસથી મારા પલંગ નીચે કોઈ હોય એવો ભાસ થાય છે. તેની દવા શું ? અને ખર્ચ કેટલો થશે ?’
ડૉક્ટર : ‘દસ હજાર.’
થોડા દિવસો પછી ડોક્ટર સાહેબને રસ્તામાં છગન મળ્યો.
ડોક્ટર : ‘છગનભાઈ, તમે તો પછી આવ્યા જ નહીં.’
છગન : ‘સાહેબ 100 રૂ.માં પતી ગયું.’
ડૉક્ટર : ‘કેવી રીતે ?’
છગન : ‘મિસ્ત્રીને બોલાવીને પલંગના ચાર પાયા કપાવી નાખ્યા !’
******
રામુ ઝાડ પર ઊંધો લટકતો હતો. શ્યામુએ આ જોયું.
એટલે પૂછ્યું : ‘તું ઝાડ પર ઊંધો થઈને કેમ લટકી રહ્યો છે ?’
શ્યામુ : ‘માથાના દુઃખાવાની ગોળી ખાધી છે, તે ક્યાંક પેટમાં ન જતી રહે એટલે….’
******

અબજોપતિ જય પોતાના શ્રીમંત મિત્ર વીરુને કહી રહ્યો હતો કે ‘હું સવારે મારી કારમાં બેસીને નીકળું તો સાંજ સુધીમાં મારી અડધી મિલકત પણ ન જોઈ શકું.’
વીરુ : ‘એમાં કઈ મોટી વાત છે. મારી પાસે પણ એવી ખટારા કાર છે.’
******
મોન્ટુ : ‘જો હું બસમાં ચઢું કે બસ મારી પર ચઢે, એમાં ફેર શું ?’
પિન્ટુ : ‘કોઈ ફેર નહીં. બંનેમાં ટિકિટ તો તારી જ કપાશે.’
******

મોન્ટુના માથામાંથી લોહી નીકળી રહ્યું હતું.
પિન્ટુ : ‘આવું કેવી રીતે થયું ?’
મોન્ટુ : ‘મોટો હથોડો લઈ દીવાલ તોડી રહ્યો હતો ત્યારે બાપુએ કહ્યું ક્યારેક ખોપરીનો ઉપયોગ કર…’
******

ટીના : ‘અચાનક તું બહુ બચત કરવા માંડી છે ને કંઈ….!’
મીના : ‘હા, મારા પતિની છેલ્લી ઈચ્છા એ જ હતી. ડૂબતી વખતે તેઓ એમ જ કહેતા રહ્યા, “બચાવો…બચાવો….”’
******
પેસેન્જર : ‘જો બધી જ ટ્રેન મોડી જ હોય તો ટાઈમટેબલનો શો ફાયદો ?’
સ્ટેશન માસ્તર : ‘બધી ટ્રેન સમયસર હોય તો, વેઈટિંગ રૂમનો શો ફાયદો ?’
******

બૉસ : ‘અમે એક એવા કર્મચારીની શોધમાં છીએ જે ખૂબ જવાબદાર હોય.’
ઉમેદવાર : ‘તમારી શોધ પૂરી થઈ ગઈ સમજો. આ પહેલાં હું જે કંપનીમાં હતો ત્યાં કોઈ પણ ભૂલ થાય તેને માટે હું જ જવાબદાર રહેતો…’
******

માલિક : ‘આજે તેં રોટલી પર વધારે ઘી લગાવી દીધું છે.’
નોકર : ‘ભૂલ થઈ ગઈ…. કદાચ મેં તમને મારી રોટલી આપી દીધી છે….’
******

મોન્ટુનો પગ ભૂરો પડવા માંડ્યો એટલે ડૉક્ટર પાસે ગયો.
ડૉક્ટરે પગ જોઈને કહ્યું : ‘ઝેર ચડી ગયું છે… કાપી નાંખવો પડશે….’
ડૉક્ટરે પગ કાપી નાખીને નકલી પગ બેસાડી દીધો.
થોડા દિવસમાં નકલી પગ ભૂરો પડવા માંડ્યો.
ડૉક્ટર : ‘હવે તારી બીમારી સમજમાં આવી. તારા જિન્સનો રંગ લાગી જાય છે….’
******

શિક્ષક : ‘દિલ્હીમાં કુતુબ મિનાર છે.’
મોન્ટુ કલાસમાં સૂઈ ગયો હતો. શિક્ષકે એને જગાડ્યો અને ગુસ્સામાં આવીને પૂછ્યું :
‘મેં હમણાં શું કહ્યું ?’
મોન્ટુ ઊંઘમાંથી ઊઠ્યો અને બોલ્યો : ‘દિલ્હીમાં કુત્તા બીમાર છે.’
******

એક મચ્છર છગનને દિવસે કરડ્યું.
છગને એને પૂછ્યું : ‘તું તો રાત્રે કરડે છે ને ? આજે દિવસે કેમ ?’
મચ્છર : ‘શું કરું ? ઘરની પરિસ્થિતિ બહુ ખરાબ છે…. આજકાલ ઑવરટાઈમ કરવો પડે છે…!’
******

યુવતી : ‘કાલે મારો બર્થ-ડે છે.’
યુવક : ‘એડવાન્સમાં હેપી બર્થ-ડે.’
યુવતી : ‘શું ગિફ્ટ આપીશ ?’
યુવક : ‘શું જોઈએ ?’
યુવતી : ‘રિંગ.’
યુવક : ‘રિંગ આપીશ, પણ ફોન નહીં ઉપાડતી. એમાં બેલેન્સ નથી.’
******

પિંકી : ‘પાડોશીની દીકરીને વિજ્ઞાનમાં 99 માર્ક્સ આવ્યા.’
બિટ્ટુ : ‘અરે વાહ ! અને એક માર્ક ક્યાં ગયો ?’
પિંકી : ‘એ આપણો દીકરો લાવ્યો છે…!’
******

સંતા : ‘આ ડૉક્ટરો ઑપરેશન કરતાં પહેલાં દર્દીને બેહોશ કેમ કરી દે છે ?’
બંતા : ‘જો દરેક વ્યક્તિ ઑપરેશન કરવાનું શીખી જાય તો પછી એમનો ધંધો કેવી રીતે ચાલે ?’
******
‘તું તો બહુ સરસ સ્વિમિંગ કરે છે…. ક્યાં શીખ્યો ?’
‘પાણીમાં… બીજે ક્યાં ?’
******

એક રેસ્ટોરન્ટમાં ગ્રાહકે વેઈટરને પૂછ્યું :
‘એક કૉફી કેટલાની છે ?’
‘પચાસ રૂપિયાની…..’
‘આટલી બધી મોંઘી ! સામેની દુકાનમાં તો પચાસ પૈસાની છે….’
વેઈટર : ‘એ તો ફૉટોકૉપીની દુકાન છે…. જરા બોર્ડ તો બરાબર વાંચો !’


Tuesday 1 January 2013

જુવો... હસતા નહિ....!!!












હાસ્ય દિવાળી

આખરે ફટાકડા ફૂટ્યા ખરા….!!

         નતેરસના દિવસે જ નિર્ધન બાપના કમનસીબ કરસને સવારથી જ ફટાકડા માટે ભેંકડો તાણીને આખા ઘરમાં કાગારોળ મચાવી દીધી. ચેકડેમના ઓવર-ફ્લોની જેમ તેમની આંસુઓથી છલકાતી આંખોમાં નાક પણ તેની યથાશક્તિ મદદ કરતુ હતું. કરસનની મા, જીવીબેને આવીને કરસનને એક અડબોથ વડગાડી, ‘તારા બાપે કોઈ’દી ફટાકડો જોયો સે, તે તને લઈ દિયે…!!’ એટલે કરસનના રુદન યજ્ઞમાં ઘી હોમાયું અને આક્રન્દાજ્ઞી વધારે પ્રજ્વલિત થયો ને કરસનના ભેંકડાનો સુર તેની પરાકાષ્ઠાએ પહોંચ્યો.
          પડોશમાં રહેતા કરસનના સુખમાં ભાગ પડાવનારા (અને દુ:ખમાં પાટું મારનારા…!!) ભેરુઓ કરસનનો આક્રંદ સાંભળી તેની મદદે દોડી આવ્યા. પરંતુ કરસનના બાપા ગંગારામનો વિકરાળ ચહેરો જોઈ થોભણ, વસરામ, છગન અને ભીખો ચારેય ડેલીએ જ ખીતો થઇ ગયાં. ચારેયમાંથી એકેયને આગળ વધવાની કે રુદનયજ્ઞનું કારણ પૂછવાની હિંમત ના ચાલી. અશ્રુબિન્દુઓથી તરબતર આંખોને ઊલેચીને કરસને ડેલીએ ઊભેલા તેના ભેરુઓને જોયાં. જોતા વેંત જ આનંદની એક લહેરખી કરસનની નસેનસમાં ફરી વળી અને કોઈ રાજા હારી જવાની તૈયારીમાં હોય ને પડોશી રાજ્ય પાસેથી મદદ માટે સૈનિકો આવી પહોંચે, ત્યારે રાજા લડવા માટે મરણિયો પ્રયત્ન કરે તેવો પ્રયત્ન કરસને તેના બાપા ગંગારામ સામે કરતાં કહ્યું, ‘આજે તો ફટાકડા લઈ દેવા જ પડશે. કેટલા દી’ થયા કાલ-કાલ કરો છો. હવે તો દિવાળી આવી ગઈ. હંધાયના બાપા લઈ દિયે છે, તમે જ મને નથી લઇ દેતા.’ મહાપ્રયત્ને ગંગારામબાપાએ ચૂંટણી સમયના નેતાઓની જેમ ‘આજે સાંજે લઇ આવીશું’ એવો ઠાલો વાયદો કર્યો. કરસનને તો મને-કમને સ્વીકારવા સિવાય છુટકો જ ન હતો. કરસન બુસ્કોટની બાંયથી તેનું મોઢું લૂછી તેના મિત્રો સાથે રમવા ચાલી નીકળ્યો…
            સાંજે કરસનના બાપા કરસનને લઈને (જિંદગીમાં પહેલીવાર…!!) ફટાકડા લેવા નીકળ્યાં. રસ્તામાં કરસનને મનાવવાનો પ્રયત્ન કર્યો કે ‘ફટાકડા ફોડવા કરતા જોવાની મજા કંઈ ઓર હોય છે’ પણ માને તો ઈ કરસન શાનો…? તેને તો બાપાને ફટ દઈને સંભળાવી દીધું કે ‘ઈ મજા હું તમને કરાવવા ઈચ્છું છું’ એટલે જ ફટાકડા ફોડીશ હું અને જોજો તમે…..!!! અંતે કરસનના કંજૂસ બાપા કરસનને સસ્તા જણાતા ફટાકડાના સ્ટોલ પર લઈ ગયા. કરસને આગ્રહ કરી-કરીને થોડા ધમપછાડા કરીને તેને મનગમતા ફટાકડા લેવડાવ્યા. દુકાનદારે પણ કરસનને ટેકો આપ્યો એટલે ગંગારામબાપાનું ઝાઝું ચાલ્યું નહિ.
        ફટાકડા તો લેવાઈ ગયા પણ કરસનના એક અગત્યના સવાલથી ગંગારામબાપા મુંઝાયા. કરસને કહ્યું, ‘બાપા, આ બધા ફટાકડા ફૂટશે તો ખરાને..?’ અને ગંગારામબાપામાં રહેલો શંકાનો કીડો આળસ મરડીને બેઠો થયો. તેણે તો ફટાકડાની દુકાનવાળાને સૂકી ધમકી જ આપી દીધી કે ‘જો કોઈ ફટાકડો ના ફૂટ્યો તો તારા ફટાકડા ફોડી નાંખીશ.’ દુકાનદારે હૈયેધરો આપવાનો પ્રયત્ન કરતા કહ્યું કે ‘ચિંતા ના કરો બધા આ વર્ષના જ છે એટલે થોડો-ઘણો તો અવાજ કરશે જ…’ પણ ગંગારામબાપાને થયું કે ‘માળું, ટેસ્ટીંગ કર્યા વગર કોઈ માલ ના લેવાય……’ એટલે એ તો એક બોમ્બ પેકેટમાંથી કાઢીને સ્ટોરમાં જ સળગાવવા મંડ્યા. બોમ્બ સળગતાં પહેલાં જ દુકાનદારની નજર ગઈ. તેણે ગંગારામબાપાના હાથમાંથી દીવાસળી ઝૂંટવી લીધી. નહીં તો આખા સ્ટોરના બધા ફટાકડાની દિવાળી ત્યાં જ પૂરી થઇ જાત…!!
          પાછા વળતાં તો જાણે કરસનના પગને પાંખો આવી હોય તેમ ઠેકડા મારતો, શેરીઓના કૂતરાને ઠેક્તોકને ઘેર પહોંચ્યો. રાત્રે કરસનનો જીવ વાળુ કરવામાં જરાય લાગતો ન હતો. તેને તો ક્યારે ફટાકડા ફોડુંને લોકો તાળીઓ પાડીને મારી વાહ-વાહ કરે તેની જ રાહ જોતો હતો. જેમતેમ વાળુ પતાવી કરસને ફળિયામાં ભોંચકરીથી શરૂઆત કરી. કરસને તેના ધબકતા હૃદય સાથે કંપતા હાથે દીવાસળી સળગાવી અને ભોંચકરીને અડાડી. ભોંચકરી સળગી પણ ખરી પરંતુ કુંભકર્ણની જેમ ઊંઘી ગઈ હોય તેમ આંટો ફરવાનું નામ જ નો’તી લેતી. ‘મારું બેટુ, હવે શું કરવું ?’ કરસન તો મુંજાણો… તેણે પહેલાં હાથેથી થોડી ફેરવવાનો પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ…!! ખાલી ભોંચકરીમાંથી ઝળઝળિયાંની સેરો ઊડે પણ સમ ખાવાય એક આંટોય ફરે નહિ. શિયાળાની ઠંડીમાં પણ પરસેવે નીતરતા કરસનને ઘડીક તો એમ થયું કે ભોંચકરી હાથમાં પકડીને પોતે ફુદરડી ફરવા માંડે…!!
          ત્યાં તો થોભણે પાછળથી આવી કરસનના ખભે ધબ્બો મારતાં કહ્યું, ‘અરે યાર, પાટુ મારને એની મેળે ફરવા માંડશે….’ તેના બાપા પર અકળાયેલા કરસને ફેરવીને એક લાત ભોંચકરીને મારી અને થયું એવું કે ભોંચકરી સુતી રહેવાને બદલે ઊભી થઈને માંડી ફરવા. ફરવા તો માંડી પણ સાથે-સાથે ઊભી થઈને દોડવા પણ માંડી. આખા ઘરમાં ધમાચકડી મચી… પહેલાં તો જીવીબેન ઠામણાં ઉટકતા હતા ત્યાં પહોંચી. જીવીબેને તો વીજળીનો ઝાટકો લાગ્યો હોય તેમ, ‘વોય, મારા રોયા…’ કરતાંકને હાથમાં રહેલો તવેથો ભોંચકરી તરફ ફેંક્યો. ભોંચકરીને ત્યાંથી નવી દિશા મળી અને ગંગારામબાપાના ધોતિયામાં જઈને ભરાણી. ગંગારામબાપા તો માતાજી ખોળિયામાં આવ્યા હોય તેમ વગર ડી.જે.એ ડાન્સ કરવા માંડ્યા. ધોતિયું માંડ્યું સળગવા. ગંગારામબાપાએ શરમ નેવે મૂકીને ફળિયામાં જ આખું ધોતિયું કાઢી નાખ્યું….!! આ ધમાચકડીમાં અને ધોતિયાને ઠારવાની દોડા-દોડીમાં ભોંચકરી ક્યાં ગયી તે કોઈને ખબર ના પડી. અચાનક જ કાળોકેર વર્તાવીને આતંકવાદીની જેમ ગાયબ થઇ ગઈ. જાણે બર્મુડા ટ્રાયેન્ગલમાં વિમાન કે જહાજ ગાયબ થાય તેમ ભોંચકરીનો દારૂ પૂરો થતાં એ ક્યાં ગઈ તે ખબર ના પડી. કરસનની વાનરસેનાએ બધે શોધ ચલાવી પણ ક્યાંય ભોંચકરીનાં સગડ ના મળ્યા.
            ગંગારામબાપા સળગી ગયેલું ધોતિયું સરખું કરતાં તાડુક્યા ‘સાલ્લાઓ, બહાર નીકળો અહીંથી. ખબરદાર જો અહીં ફટાકડા ફોડ્યા છે તો……’ કરસનતો ભોંચકરીને શોધવાનું માંડીવાળી બચેલા બીજા ફટાકડા લેતો તેની ટોળકી સાથે બહાર ભાગવા ગયો પણ ત્યાં તો અંદરથી જીવીબેને ચીસ નાખી… ‘એ… દોડો-દોડો…. ડામચિયો હળગ્યો સે…!!’ ભોંચકરી ગંગારામબાપાના ધોતીયામાંથી છટકીને ઓસરીની બારીએથી સીધી ડામચિયામાં ઘૂસી ગઈ હતી. એણે ગાદલા-ગોદડાંનો આખો ડામચિયો સળગાવ્યો…!! કરસનની ટોળકી પાછી વળી ને જે હાથમાં આવ્યું તે લઈને ડામચિયો ઠારવા મંડી પડ્યા. કોઈએ કોથળા હાથમાં લઈને ડામચિયા પર લબકારા મારતી અગ્નિજ્વાળા પર નાખ્યાં. કરસને ફળિયામાં પડેલું પાણીનું બકળીયું ઉપાડ્યું ને જેવો ઓસરીના પગથીયાં ચઢવા ગયો ત્યાં જ પગે ઠેબું આવ્યું ને બકળીયા સાથે ગંગારામબાપા માથે ઢગલો થઇ ગયો. ગંગારામબાપાએ તો ત્યાં જ અનાયાસે જળસ્નાન કરી લીધું. નીતરતાં લૂગડે બરાડાં પાડતાં કરસનના બાપા બહાર નીકળ્યા. ત્યાં કોણ જાણે ડામચિયાને શું થયું તે એમાંથી મોટા-મોટા અવાજો આવવા માંડ્યા….!! ત્યારે ખબર પડી કે કોઈએ ઉતાવળમાં ડામચિયો હોલવવા જતાં ફટાકડાની આખી થેલી તેમાં નાખી દીધી હતી. શું કરવું એ કોઈને સમજાતું નો’તુ. બધા બાઘાની જેમ થીજી રહ્યા…!!! શરૂઆતમાં તો ડામચિયામાંથી ચક્લીછાપ ટેટાનાં અને સુતળી બોમ્બના જ અવાજો આવતાં હતાં. પણ પછી તો અંદર રહેલી ભોંચકરીઓ પણ વિના પ્રયત્ને આખા ઘરમાં આમથી તેમ માંડી આંટા ફરવા…!
          કોઈ પડોશમાંથી જલુભાઈ જમાદારને આ બધી રમખાણો ઉકેલવા બોલાવી લાવ્યું. જલુભાઈએ આવીને બધાને શાંત પાડવા સિસોટી વગાડી ત્યાં તો સામેથી આક્રમણ થયું હોય તેમ ડામચિયામાંથી એક રોકેટ નીકળીને જલુભાઈની સિસોટી ઉડાળતીકને હોઠ પર ઘસરકો કરીને નીકળી ગઈ. જલુભાઈ તો એવા ડઘાઈ ગયા કે હાથમાંથી ડંડો પડી ગયો…. પણ ગંગારામબાપાનો મગજ ઠંડો ના પડ્યો. એ તો કરસનીયાને બોચીમાંથી પકડીને માંડ્યા ઢીબવા. સાથે સાથે ફટાકડાની દુકાનવાળાનેય ગાળો ભાંડવા લાગ્યાં. આસપાસના લોકો પણ આ નવતર તમાશો જોવા આવી ગયાં હતાં અને ટોળું થયું હતું મોટું. કેટલાકે કરસનને ગંગારામબાપાની પકડમાંથી છોડાવવાની હિંમત કરી. ત્યાં તો ગંગારામબાપાને હથિયાર મળી ગયું – ‘જમાદારનો ડંડો લઈને ગંગારામબાપા તો કરસનને મૂકી પડતો ને તેના ભેરુઓ અને ગામલોકો પર તૂટી પડ્યા, જાણે અંગ્રેજ સરકારે ગુલામ ભારતીઓ પર લાઠીચાર્જ કર્યો…’ થોડીવારમાં આખું ઘર ખાલી થઈ ગયું. બધા પોતપોતાનાં ઘેર ચાલ્યા ગયા. ડામચિયો પણ હવે રોકેટોને ભોંચકરીઓ કાઢી-કાઢીને થાકી ગયો હોય તેમ શાંત થવા પ્રયત્ન કરતો હતો. આખું ઘર ધુમાડાના ગોટાથી ભરાઈ ગયું.
      અંતે નિર્ધન બાપના કમનસીબ કરસને ગંગારામબાપાની નિર્ધનતામાં વધારો કરતાં ગાદલા-ગોદડાથી ભરેલો ડામચિયો ખોયો અને ધનતેરસના દિવસે જ દિવાળી પહેલાં જ બધા ફટાકડાની હોળી કરી નાખી એ નફામાં…!! પણ છતાં કરસનને એક વાતનો સંતોષ હતો કે આખરે બધા ફટાકડા ફૂટ્યા તો ખરા…!!!


My First Story

ખરી પ્રામાણિકતા

           S7/0029 નંબરની કન્ફર્મ ટિકિટ સાથે હું નવસારીથી અમદાવાદ પહોંચવા ‘ભુજ એક્સપ્રેસ’ માં ચઢ્યો. ભીડથી ઘમ-ઘમતું નવસારીનું સ્ટેશન છોડીને હું મારા બેગ-બીસ્ત્રા સાચવતો મારી જગ્યાએ પહોંચ્યો . મારી ટિકિટ સ્લીપિંગ કોચની હતી અને મને ઉપરની બર્થ મળી હતી. મારા કમ્પાર્ટમેન્ટમાં નીચેની બધી સીટો અગાઉથી જ ફુલ હતી અને મારી સીટ પર બે જણ બેસીને પત્તા રમી રહ્યા હતાં. મેં એક વાર ટિકિટ ખિસ્સામાંથી કાઢી નંબર બરાબર તપાસ્યો પછી પેલા બન્ને મહાશયોને કહ્યું કે ‘આ મારી જગ્યા છે.’ તેઓએ કહ્યું, ‘અંકલ બે જ મીનીટ રાહ જોશો… પ્લીઝ… એક ગેમ પૂરી કરી લઈએ.’ હું મારો સામાન વ્યવસ્થિત કરી સાઈડમાં ઉભા રહી રાહ જોવા લાગ્યો. 
         થોડી જ વારમાં બન્ને મિત્રોએ ગેમ પૂરી કરી એક-બીજાને હાથતાળીઓ આપી નીચે ઉતર્યા. પછી હું મારી સીટમાં ગોઠવાયો. અમારા કંપાર્ટમેન્ટમાં મેં નજર ફેરવી તો જાણે બગીચો હોય તેમ બધાજ પ્રકારનાં લોકો હતા. એક ઘરડા કાકા હાથમાં છાપુ લઈને નાક પર ચશ્માં ટેકવીને નજર ફેરવી રહ્યા હતા. તેની બાજુમાં એક કોલેજીયન જાણે છેલ્લી ઘડીએ પરીક્ષાની તૈયારી કરવા બેઠો હોય તેમ મેડીકલનાં થોથાં જેવી જાડી બુક વાંચી રહ્યો હતો. સામે બે યુવાન કપલ બેઠા હતાં. જેમાંના બન્ને પુરુષો મારી જગ્યા પર પત્તાં રમી રહ્યા હતાં તે જ હતાં. બાજુની બારી પાસે એક મધ્યમ વયનાં કોઈ પ્રોફેસર જેવા લાગતા સજ્જન આંખ મીંચીને વિચારે ચઢ્યા હતાં. અને તેની બરોબર સામે કોઈક સાધુ-બાવા જેવા લાગતાં એક ફકીર બેઠાં હતાં.

          ઉપરની સાઈડમાં મારા સિવાય હજુ કોઈ ઉપર સુવા માટે આવ્યું ન હતું. ફેરિયાઓ થોડી-થોડી વારે આવ-જા કરતા હતાં. ચા વાળો ડીપ-ડીપ… ડીપ-ડીપ… કરતો નીચે બેઠેલા બન્ને કપલને વાતોમાં ખલેલ પાડતો હતો. દાંત ન હોવા છતાં પેલા કાકા ઘણી વખત ચણા-ચોર ગરમવાળા તરફ અને વડાપાઉં વાળા તરફ છાપામાંથી મોઢું કાઢીને જોઈ લેતા હતાં.

             હું મારા કામમાં આખો દિવસ વ્યસ્ત રહીને થાકી ગયો હતો એટલે સુવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એવામાં મારી નજર નીચે પડી. એક ફાટેલ કપડામાં અનેક થીગડાં મારેલી ભિખારી બાઈ, તેના હાથમાં તેડેલા નાગોડિયા છોકરા સાથે કાકલુદી કરતી ભીખ માંગી રહી હતી. ‘દયાળુ, ભિખારીને કંઈક આપો… ઉપરવાળો તમને સુખી કરશે… માઈ બાપ…!!’ તેમનાં અવાજમાં આજીજી હતી અને ભૂખનું દુઃખ દેખાઈ આવતું હતું. એ બાઈ કંપાર્ટમેન્ટમાં સાઈડમાં ઉભી ઉભી બોલી રહી હતી પણ તેમનાં ૧૪-૧૫ વર્ષનો એક પગે અપંગ છોકરો ભાંખોડિયાંભેર દરેક લોકો પાસે જઈને હાથ અડાડી અડાડીને કંઈક આપવા માટે આજીજી કરતો હતો. લોકોનાં તિરસ્કાર અને ધિક્કારમાં તેને ઘણીયે વખત હાથ પાછો લઈને પાછા ફરી જવાનું મન થઇ આવતું હશે પણ પાછળ ફરીને તે તેની માં સામે અને તેનાં નાગોડીયા ભાઈ સામે જોઈને તેનું હૃદય પાછું ભીખ માંગવા માટે હાથ લંબાવવા મજબુર કરતુ હતું. અને ફરી પાછો તે છોકરો પેસેન્જરોનાં પગને હાથ અડાડી હાથને મોં તરફ હલાવી ભૂખ્યો હોવાનું સૂચવતાં ભીખ માંગી રહ્યો હતો.

                 કંપાર્ટમેન્ટમાં બધા લોકો તેને હડધૂત કરતાં તિરસ્કાર કરી રહ્યા હતાં. પેલા કાકાએ તો ભિખારીનાં અડવાથી કપડા ના બગડે તે માટે પગ ઉપર લઇ લીધા. અને બબડ્યાં ‘સાલાઓ કોઈ કામ ધંધો નથી કરવો એટલે ભીખ માંગવા નીકળી પડ્યા છે…!’ બાજુમાં બેઠેલા કોલેજીયને પણ ટાપસી પુરાવી ‘હા અંકલ, આ લોકોને તો જ્યાં સુધી મફત ખાવાનું મળે ત્યાં સુધી કામ સામું જોતાં જ નથી અને એટલે જ અત્યારે મજુરોની તંગી છે. કોઈ મજુરી કરવા તૈયાર જ નથી ને.’
            ‘અત્યારે તો ભાઈ શેઠને નોકરની સામે નોકર બનીને રહેવું પડે છે ત્યારે નોકર ટકે છે.’ આંખો બંધ કરીને બેઠેલા પેલાં પ્રોફેસર જેવા લાગતાં ભાઈએ જંપલાવ્યું. ત્યાંતો પેલા બન્ને મિત્રોમાંથી એકે નેતાની જેમ ભાષણના સ્વરમાં કહ્યું કે : ‘ભારતમાં આ ગરીબી-ભૂખમરો વધારનાર આવા ભિખારીઓ જ છે.’
            બીજા એ સપોર્ટ કરતાં કહ્યું, ‘આવાઓને લીધે જ આપણા ભારતની આવી દુર્દશા થઇ છે.’ આ બધાની વાત શાંતિથી સાંભળી રહેલા પેલાં બાવા જેવા લાગતાં ફકીરે કહ્યું કે : ‘ભાઈ! દુનિયામાં આવું જ હોય છે. માંગવાથી મળી રહેતું હોય તો શા માટે લોકો મહેનત કરે…? જેને માન વહાલું ના હોય કે ઓછું વહાલું હોય તેઓ તો આ જ રસ્તો અપનાવાના…!’
             છાપાની ગળી વાળીને બાજુમાં મુકતાં કાકાએ કહ્યું ‘પાછા આ સાલ્લાઓ આવી ટ્રેનોમાં મફતમાં મુસાફરી કરતા હોય છે, ટી.સી. પણ તેઓને કંઈ કહેતા નથી હોતા…!’ પેલાં ત્રણે ભિખારીઓ તો જતા રહ્યાં પણ વાત હજુ પૂરી થવાને બદલે આગળ વધી રહી હતી. હું ઉપરથી નીચેનો તમાસો જોતા વલોવાતા હૃદયે આ વાત બંધ થાય તેની રાહ જોતો હતો. ત્યાં તો વાતે રૌદ્ર સ્વરૂપ પકડ્યું અને બધાને વાતમાં જાણે કોઈ મોટા ખજાનાની વાત ના કરતા હોય તેવા મશગૂલ થઈને રીતસર ભિખારી પ્રકરણ પર મરચાં વટવાનાં શરુ કર્યા. પેલા કાકા તો જાણે અગાઉ ટ્રેનમાં ટી.સી. ના રહી ચુક્યા હોય તેમ આવાં ભિખારીઓને મફતમાં મુસાફરી કરતા બંધ કરવા માટે બંડ પોકારતા હતાં ! મને હૃદયમાં ખૂબ આઘાત લાગ્યો કે આ લોકો ભલે ભિખારીને કંઈ ન આપે પણ એનાં વિશે કંઈ જ જાણતા ન હોવા છતાં અને એની શું પરિસ્થિતિ છે તેનો એક અંશ પણ ન જાણવા છતાં તેના વિશે મન ફાવે તેમ બોલતા હતાં. હું આ વાતાવરણથી તંગ આવી જઈ બાથરૂમ જવા માટે નીચે ઉતર્યો. બાથરૂમ બાજુ જતા મેં એક અદભુત દ્રશ્ય જોયું. ટિકિટ-ચેકર પેલી ભિખારી બાઈ પાસે ટિકિટ માંગતો હતો. મને થયું કે હવે આ ટી.સી. નાહકનો પેલી ભિખારી બાઈને વઢશે અને આગળનાં સ્ટેશને ઉતારી દેશે…! કદાચ દયા દાખવીને જવા પણ દે એવું પણ બને…!

            શું બને છે, તે જોવા હું થોડી વાર ત્યાં થોભ્યો. મારા આશ્ચર્ય વચ્ચે પેલી ભિખારી બાઈએ સાડલાના છેડા પરથી ગાંઠ છોડી ને તેમાંથી ટિકિટ કાઢી ટી.સી.ને બતાવી. હું પણ આંખો પહોળી કરી ટી.સી.ના ખભા પાછળથી ટિકિટમાં જોવા લાગ્યો. આજની જ ટિકિટ હતી અને બાળકની અને બાઈની એમ બંને ટિકિટ હતી. મને ખરેખર તે પ્રામાણિક બાઈ ઉપર ખુબ લાગણી ઉપજી. મને તે ભિખારીમાં એક સાચી પ્રમાણિકતા દેખાઈ. મારા ખિસ્સામાં હાથ નાખી જેટલું પરચુરણ નીકળ્યું તે અપંગ છોકરાનાં હાથમાં મૂકી હું બાથરૂમ તરફ વિચારતો વિચારતો આગળ વધ્યો.

             પાછા ફરતા હું મારા કંપાર્ટમેન્ટ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં ખુબ જ ભીડ હતી. જાણે કોઈ મુસાફર ગંભીર હાલતમાં હોય ને બધા ટોળે વળ્યા હોય તેમ લોકો એકઠાં થઇ ગયા હતાં. હું લોકોને આઘા પાછા કરી થોડો આગળ વધ્યો અને જોયું તો ટી.સી. અને પેલા ચશ્માવાળા કાકાની રકઝક ચાલતી હતી. વાતો પરથી મને ખ્યાલ આવ્યો કે ભિખારીઓને વગર ટિકિટે મુસાફરી કરવા બદલ ગાળો ભાંડતા પેલા કાકાએ જ ખુદ ટિકિટ નહોતી લીધી. એને એમ કે ટી.સી.ને થોડા ચા-પાણીના પૈસા આપીને છટકી જવાશે. પરંતુ દરરોજ થોડા સરખા ટી.સી. હોય છે ? જેમ સાગર કિનારે પડેલા શંખલાઓ અને છીપલાઓ વચ્ચે ક્યારેક જ મોટી પેટાળમાંથી નીકળી કિનારે આવ્યું હોય છે. તેમ પ્રામાણિક ટી.સી. આવી લાલચોમાં આવવાને બદલે કાયદેસરનાં જ પગલા લેતા હોય છે….! મને પેલા ભારતના ભાવી માટે બોલાયેલા કાકાના બધા શબ્દો યાદ આવવા લાગ્યા અને મારા હૃદયના ઊંડાણમાંથી એક સાદ સંભળાયો….
 
‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે,
ફુલડાં ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે…’


               ખરેખર ! દુનિયામાં પ્રમાણિક હોવાનો સ્વાંગ પહેરીને ફરતા લોકો જ સહુથી વધારે અપ્રમાણિકતાનાં ધંધા કરતા હોય છે અને પોતાના આવા કૃત્યો ને છૂપાવવા માટે જ બીજા તરફ આંગળી ચીંધતા હોય છે. પરંતુ આવા લોકોને એ નથી ખબર કે બીજા તરફ ચીંધાયેલી એક આંગળીની બાજુમાં રહેલી ત્રણ આંગળી તેની તરફ જ ઈશારો કરે છે કે : ‘હે માનવ ! તું જ સહુથી મોટો નાલાયક છો… બીજા સામે પછી આંગળી ચીંધજે….!!’ જીવનમાં માણસ જો પોતે જ પોતાને છેતરવાનું બંધ કરે તો આખી દુનિયા સુધરી જશે. જગત ને સુધારવા જવાની જરૂર નથી, જાતે સુધરી જવાની જરૂર છે. ખરું ને ?