Tuesday, 14 July 2015

કાઠીયાવાડમાં કોક'દી તું ભૂલો પળ ભગવાન, તારા એવા તે સ્વાગત કરું તને સ્વર્ગ ભુલાવું શામળા...

shutamejanochodotcom(1)




રાજકોટ પંથકનો બાજરો હોય. ગોંડલના દેરડી(કુંભાજી)ની ઘંટી હોય, રાણસીકી ગામના કુંભારેબનાવેલી તાવડી હોય, અને એમાય રાવણા ગામની બાયુએ મધરાતે ઊઠીને મુઠ્ઠીએ મુઠ્ઠીએ ઘંટીમાં નાખીને પ્રભાતિયાંના સૂરે ગાતાં ગાતાં દળ્યો હોય. ઈમાંથી ધોબેક લોટ લઈ માટીની કાળી રીઢી કથરોટમાં નાખ્યો હોય, પડખે છાલિયામાં ઓગાળેલા વડાગરા મીઠાનું પાણી લઈ લોટનો પીંડો બાંધ્યો હોય અને મા જેમ પહેલાં ખોળાના બાળકને હેતથી હુલાવતી હોય એમ પીંડાને બે હાથમાં લઈ રમાડતા રમાડતા રોટલો ઘડયો હોય ને તાવડીમાં નાખી ત્રાંબિયા જેવો શેડવ્યો હોય,
પછી ઈની કોપટી કાઢીને તાવણ્ય મૂકી હોય તો ત્રણ ત્રણ ઘર્યે જેની ફોરમ જાય ઈ નવચાંદરી ભેંસનું નખમાં ફાંહુ વાગે એવું ઘી ભર્યું હોય, કાઠિયાવાડની વાડીના કાંટાળા રીંગણાનું ભડથું અને ગિરની દેશી ગાયના શેડકઢા દૂધની તાંહળી ભરીને મૂકી દીધી હોય, ભગવાન શામળિયો ત્યાંથી નીકળ્યો હોય ને બાવડું ઝાલીને ભોજનના ભર્યા થાળ માથે બેસાડી દીધો હોય તો એના બત્રીસે કોઠે આનંદના દીવડા પ્રગટી જાય.
ઈ ન્યા બેઠો બેઠો રાધાજીને સંદેશો કહેવરાવી દે કે “આપણને તો ભાઈ કાઠિયાવાડની ધરતી માથે ફાવી ગયું છે. તમને મારા વિના અણહરું લાગે તો તમે ય આંય વિયા આવો”.
આવો હોય કાઠિયાવાડનો રોટલો
(શ્રી કૃષ્ણ ભગવાન કાઠિયાવાડમાં અમથા ભૂલા નહોતા પડયા..)

No comments: