Tuesday, 29 April 2014

હાસ્ય લેખ - નવનીત પટેલ

તારામાં દમ જ નથી...!!
     વૈશાખ મહિનાનો બળબળતી બપોરનો ધોમ તરગાળ તડકો તપી રહ્યો હતો. મુઠ્ઠી ભરીને મકાઈ ધરતી પર નાખો તો તડતડ-તડતડ ધાણી ફૂટી જાય, એવી અસહ્ય ગરમીવાળી બપોરે પગમાં સ્લીપર પેરીને કરશનનું ટાબરિયું નિશાળે જતું હતું.
     નિશાળમાં પગ મૂકતા જ માસ્તરે ચંદુડીયાને તતડાવતા મોડું થવાનું કારણ પૂછ્યું. જૂનિયર કરસને રૂઆબભેર કમરે બન્ને હાથ ટેકવી ઠાવકું મોઢું કરીને કહ્યું, “શું કરું સાહેબ મારા બા-બાપુ ઝઘડો કરતા હતા એટલે નિશાળે આવતા મોડું થયું.” સાહેબે “આ ચંદુડીયો માંડ આજે લાગમાં આવ્યો છે”, એવા ગુસ્સાના મિશ્ર ભાવ સાથે પૂછ્યું કે “તારા બા-બાપુ બાઝતા હોય એમાં તારે શું? એ તો રોજનું થયું. તારે તો તારા ટાઈમે નિશાળે આવવું જોઈએને ...!!” ચંદુએ સીરિયસ થઈને કોઈ સસ્પેન્સ ખોલતો હોય તે રીતે કહ્યું કે “પણ સાહેબ મારું એક ચપ્પલ મારા બાપા પાસે હતું ને એક મારી બા પાસે....!!! તો આવા ઉનાળામાં ઉઘાડા પગે તો નો જ આવું ને નિશાળે... એટલે આ બંદા લેટ પડ્યા....!!!”
     કરસનથી પણ સવા વેંત તોફાન કરવામાં વધે એવો આ ચંદુડીયો આખી નિશાળમાં જ નહીં પણ આખા ગામમાં કુખ્યાત(!) હતો.  અને તેને આખા ગામમાં નામના અપાવવામાં સિંહ ફાળો જો કોઈનો  હોય તો તે તેની બા એટલે કે કરસનની અર્ધ-આંગીની મોંઘીનો હતો. રોજ સવારે સુર્યના પહેલા કિરણથી જ કરસનના ઘરમાં વાસણો ખખડવાથી ઝગડો શરૂ થતો અને પ્રેક્ષકગણ ઠીક- ઠીક સંખ્યામાં ભેગું થતું ત્યારે “આ ચંદુડાના જ તોફાન છે ” એમ કહી કાળા મોઢારી મોંઘી કજિયાને રદિયો આપતી.
      ચંદુ એક વખત ત્રમ્બક ત્રિપાઠીના દવાખાને જઈ ચડ્યો. ત્રમ્બકે તો ચંદુડા ને જોતા જ આંખો ચોંળવા માંડી, “માળું આ સપનું છે કે સાચુકલું...!!!” ઇન્જેક્શનથી ૧૦૦ ફૂટ દુર રહેવાનું નેમ લીધેલ આ ચંદુડીઓ ડોક્ટરને યમનો અવતાર ગણતો આવ્યો છે..!! ને આજે સામેથી મારા દવાખાનામાં..!! નક્કી દાળમાં કૈંક કાળું છે !! ત્રમ્બકે ડોળા હલાવીને પૂછ્યું “એય ચંદુડીયા, બોલ શું આવ્યો છે...? ઇન્જેક્શન દઉં કે ...?”
              ચંદુએ છલાંગ લગાવી, ડૉ.ત્રમ્બકના ટેબલ પર સ્ટેથોસ્કોપની બાજુમાં પલાંઠીવાળીને જમાવી, જાણે રાવણથી છંછેડાયેલા અંગદે પુછડાનું જ સિંહાસન બનાવીને સ્થાન જમાવ્યું હતું તેમ. ચંદુએ ડૉ.ત્રમ્બકને ઘઘલાવતા કહ્યું કે “ડોક્ટર છો ને ઇન્જેક્શન દો છો, એમાં શું મોટી ધાડ મારી...!! મારે જે જોઈએ છે તે આપો તો ખરું...!! ત્રમ્બક ખસીયાણો પડી ગયો. મારું બેટું આને વળી શું જોઈએ છે...? “બોલ શું આપું ? ગોળી કે ગડદાપાટુ..!? કરશનનું ટાબરિયું કહે “મને દમ આપો દમ....!!” “દમ...?” ત્રમ્બક ઉવાચ : “હા, હું દમનો જ ડોક્ટર છું પણ દમ માટેની દવા આપું છું, દમ નહીં” ચન્દુડીયો કહે “મેં ક્યા કીધું તમે બામના ડોક્ટર છો...!! તમે મને દમ આપો બીજું કઈ નહી. ત્રમ્બકે માથું ખંજવાળતા પૂછ્યું, “પણ તારે દમ શું કરવા જોઈએ છે ?” ચન્દુદીયો છાતી ફુલાવીને કહે મારા બાપા મને બધાની વચ્ચે જાહેરમાં કહે છે કે “તારામાં કંઈ દમ જ નથી...!!” આજે તો બધાને બતાડી દેવું છે કે હું પણ દમવાળો છું. “હમ નહીં હે કુછ કમ, બંદે મેં ભી હે દમ...!!”
ત્રમ્બકને થયું આજ ઉંદરડો(ચન્દુડો) સામેથી પાંજરામાં આવ્યો છે અને હવે તેને છટકવા દઉં તો તો એ મારો જ વાંક ગણાય...!! ત્રમ્બકે તો ફટ કરતીકને કાંચની શીશી તોડી, ઇન્જેક્શન તૈયાર કર્યું અને ચંદુને દમ લેવા માટે સજ્જ કરતા પલંગ પર ચત્તો સૂઈ જવાનું કહ્યું. ચંદુ તો આંખ બંધ કરીને હનુમાન ચાલીસા બોલતો બોલતો ઉન્ધો સૂઈ ગયો. ચંદુને થયું ડોક્ટર ભૂલી ગયા હશે... દમનું ઇન્જેક્શન ઢીંઢે દેવાનું છે તે  ચત્તુ થોડું સૂવાનું હોય... ? બઠ્ઠુ જ સૂવું પડેને...!! ત્યાં તો શિકારી જેમ તીર તાકતો શિકારની પાછળ જાય તેમ હાથમાં ઇન્જેક્શન ભરી ત્રમ્બક ચંદુના પલંગ પાસે આવ્યો. ચંદુને બઠ્ઠો સૂતેલો જોઇને ત્રમ્બક બરાડ્યો.... અરે અક્કલના ઓથમીર ચત્તું સૂવાનું કીધુને તને પાછો બઠ્ઠો સૂઈ ગયો...!!?? ચન્દુળાએ તો હનુમાન ચાલીસામાં વચ્ચે વચ્ચે ત્રમ્બકને બે ચાર ગાળો સંસ્કૃતમાં દઈ દીધી અને દીવેલ પીધા જેવું મોઢું કરીને ચત્તો થયો પણ આંખ એટલી કચકચાવીને બંધ કરી રાખી હતી કે જાણે ઊંડા દરિયામાં હમણાં જ ડૂબકી મારવાની હોય...!!
                થોડીવાર રાહ જોઈ... ચંદુની હનુમાન ચાલીસા પૂરી થવા આવી...ચંદુ વળી વળીને એ લીટી જ ગણગણ્યા કરતો હતો.... “ભૂત પિસાચ નિકટ નહિ આવે...” હવે તો તે ભૂતની જગ્યાએ ડોક્ટર લગાડીને બોલવા માંડ્યો હતો. અચાનક તુફાન પહેલાની શાંતિ હોય, તેવી નીરવ શાંતિની એક ક્ષણ આવી અને ત્યાં જ ઘમ્મ્મ્મ..... કરતુ ઇન્જેક્શન પલંગ નીચેથી આવ્યું અને સટ્ટ.. કરતું ચંદુના ઢીંઢામાં ઘુસી ગયું....!! ત્રમ્બકને ડોક્ટરી લાઈન કરતા ગેરેજમાં ગાડીઓ રીપેર કરવાનો અનુભવ વધારે હોવાથી ઇન્જેક્શન દેવામાં પણ નીચેથી જ ફાવટ સારી આવી ગયેલી. અણધાર્યો હુમલો થતા દુશ્મનો જેમ સિયા-વીયા થઈ જાય તેમ ચન્દુડાએ કાન ફાળી નાખે એવી રાળ પાડી અને પલંગ પરથી ઉલળીને દવાખાનાની બહાર જઈને પડ્યો. હાથ ખંખેરતો’કને જે ભાગ્યો છે.... કે પાછું વાળીને જોવાય ના ઉભો રહ્યો કે “આ ઇન્જેક્શન દમનું હતું કે નહિ....!!”
“એ મારો દમ કાઢી નાખ્યો.... દમ કાઢી નાખ્યો....!!” એમ ગામની આખી શેરી ગાજી ઉઠે તેમ બરાળા પાડતો ચન્દુડો જાય ભાગ્યો....!!
                પછી તો ચન્દુડો તેની નિશાળમાં કોઈ સાથે બાઝતો ત્યારે સામેવાળો એમ કહે કે “દમ હોય તો આવી જા...!!” તો તરત ચંદુભાઈ મિયાંની મીંદળી બની જતા. આ ઉપાય ચંદુના તોફાનથી મુક્તિ મેળવવા કરશન અને મોંઘીને બહુ કામ લાગ્યો....!!

                તમે પણ ટ્રાય કરજો... કદાચ ફળીભૂત થાય પણ ખરો... જેવા જેના નસીબ, બીજું શું...!! 

No comments: