પૃથ્વીના પેટાળમાં કંઇક
ખળભળાટ થાય અને કોઈ આગોતરા એંધાણ વિના અચાનક જ જ્વાળામુખી ફાટી નીકળે, ત્યારે એ
ધગધગતા લાવાને પ્રથમ નજરે જોનાર ગ્રામજનની જેવી માનસિક સ્થિતિ હોય..! બસ, તેવી જ
સ્થિતિ સ્કૂલના દરેકે દરેક વિદ્યાર્થી અને શિક્ષકોની હતી કે જયારે તેઓને એ સમાચાર
સાંભળવા મળ્યા...!
બીરબલ અને તાનસેન જેવા
રત્નો અકબરનો દરબાર શોભાવતા હતા, તેવું જ આ નારી રત્ન “સ્વાતિ મહેતા” આખી સ્કૂલની
નંબર વન વિદ્યાર્થીની હતી. સ્કૂલનું નામ રોશન કરવા અને સંકુલની ગરીમાને અકબંધ
જાળવી રાખવા માટે સ્કૂલના તમામ શિક્ષકો અને આચાર્યશ્રી પણ સ્વાતિને ખૂબ લાડકોડથી
પોષતા હતા.
સ્કૂલમાં કોઈ સાંસ્કૃતિક
કાર્યક્રમ હોય, રમત-ગમત હોય કે અન્ય કોઈપણ પ્રવૃતિમાં સ્વાતિ નંબર વન જ હોય.
ભણવામાં પણ તેવી જ હોશિયાર અને બુદ્ધિ કૌશલ્ય પણ તેનામાં ભારોભાર ભરેલું. આવી
અવ્વલ નંબર સ્વાતિનું પરીક્ષા માથે હોવા છતાં સ્કૂલમાંથી નીકળી જવું એ ખરેખર સમગ્ર
સ્કૂલ માટે ચિંતાજનક સમાચાર હતા. આચાર્યશ્રી પ્રદ્યુમ્ન મોદીએ જયારે આ માઠા સમાચાર
સાંભળ્યા, ત્યારે તેના માથે વીજળી પડી હોય તેવો આઘાત લાગેલો.
સ્કૂલના ટીચરોએ સ્વાતિ સાથે
વાત કરીને સ્કૂલ છોડવાનું કારણ જાણવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્વાતિની જીભને
બદલે તેની આંખોએ જ બોર-બોર જેવડા આંસુઓ પાડીને જવાબ આપ્યો હતો. કોઈને ખબર નો’તી
પડતી કે આટલી હોશિયાર વિદ્યાર્થીની પરીક્ષાના એક મહિના પહેલા સ્કૂલ કેમ છોડી દે છે
? છેવટે આચાર્ય સાહેબે તેમની કેબિનમાં સ્વાતિને બોલાવી અને મૃદુસ્વરે આ સ્કૂલ
છોડવાનું કારણ પૂછ્યું, તો સ્વાતિએ નીર્વશ થઈને એટલું જ કહ્યું કે “મારે હવે મારા
મામાના ઘેરે રહેવાનું છે, ત્યાં જ મારે ભણવાનું થશે” મોદી સાહેબે વધુ પ્રશ્નો
પૂછવાનું ટાળીને સ્કૂલ છૂટતા જ સ્વાતિને ઘેરે જવાનું વિચાર્યું. તેઓ સ્વાતિના
પપ્પાને વાલી મીટિંગમાં એક-બે વાર મળેલા હોવાથી ઓળખતા હતા.
તે દિવસે તો આચાર્ય સાહેબ
અચાનક આવી પડેલા બીજા કામને લીધે અશોક મહેતાને ઘેરે ના જઈ શક્યા પણ સાંજે ગાર્ડનમાં
વોક કરવા જતી વખતે રસ્તામાં જ સ્વાતિના પપ્પા મળી ગયા અને મોદી સાહેબે તેની સાથે
થોડી વાત કરવા માટે તેમને પણ વોકિંગમાં સાથે લીધા.
સ્વાતિને આ સ્કૂલ છોડવાની
છે, તેનું કારણ જાણવાનો મોદી સાહેબે ખૂબ પ્રયત્ન કર્યો પણ વ્યર્થ ! અશોક મહેતાએ
ગોળ-ગોળ વાતો કરીને “સ્વાતિ હવે તેના મામાને ઘેર ભણવા જવાની છે” તેવું કારણ દર્શાવ્યું.
વાસ્તવિકતામાં અશોક મહેતાને તેની વાઈફ સાથે એક નજીવા કારણથી બોલા-ચાલી થઇ હતી.
બોલા-ચાલીની આ જાળ મોટી થઈને દાવાનળમાં ફેરવાઈ ગઈ. છૂટાછેડા સુધી વાત પહોંચી ગઇ
અને સ્વાતિના મમ્મીએ સ્વાતિને લઈને તેના પિયર જતું રહેવું તેવું નક્કી થઇ ગયું. સ્વાતિના
મમ્મી-પપ્પાને તેની વચ્ચેના મત-ભેદ ક્યારે મન-ભેદ સુધી પહોંચી ગયા તેની ખબર જ ના
રહી. અને એક દિવસ છૂટાછેડાની નોબત આવીને ઊભી રહી. તેઓને સ્વાતિના ભવિષ્યનો વિચાર સુદ્ધા
ના આવ્યો.
આ તરફ સ્વાતિને આ આઘાતનો કારમો
ઘા તેને માનસિક અસ્વસ્થ કરી ગયો. તે ખૂબ જ બેચેન અને નિરાશ રહેવા લાગી. અંતે જે
થવાનું હતું તે જ થયું. થોડા જ દીવસોમાં સ્વાતિના મમ્મી સ્વાતિને લઈને તેના મામાને
ઘેર પહોંચી ગયા. તેના મામાને ઘેર પણ બધા “આ ઉંમરે આરતી, સ્વાતિને લઈને જમાઈ સાથે
છૂટાછેડા લઈને પાછી આવી છે” તે વાતની જાણ થતા જ ‘પગ તળેથી જમીન સરકી ગઈ’ હોય તેવું
થયું.
સ્વાતિને બીજી સ્કૂલમાં
જેમ-તેમ કરી, લાગવગ લગાવીને દાખલ તો કરી દીધી પણ સ્વાતિનું હૃદય આ સ્કૂલને
સ્વીકારવા તૈયાર નો’તું. માનસિક અસ્વસ્થતાના લીધે તે પરીક્ષાની તૈયારી પણ બરાબર ના
કરી શકી. પરિણામે સ્વાતિ નવમાં ધોરણમાં તો ઓછા માર્કસે પાસ થઇ. પરંતુ બીજા વર્ષે
દસમાં ધોરણમાં પણ તેની માનસિક અસ્વસ્થતાને લીધે જોઈએ તેવો દેખાવ ના કરી શકી. આમ, સ્વાતિ
પર બધા જ લોકોને આશા હતી કે એક દિવસ સ્વાતિ મહેતા “ડૉ. સ્વાતિ મહેતા” બનીને રહેશે,
પણ તે આશા પર પાણી ફરી વળ્યું અને સ્વાતિ બી.કોમ કરીને મોટી થઈને સામાન્ય ગૃહિણી
બની રહી. તેના કેરિયર બનાવવાના સ્વપ્નાઓ મમ્મી-પપ્પાના ઝઘડાઓમાં ક્યાય ઓઝલ થઇ ગયા.
પહેલા ધોરણમાં ભણતો અંશ,
મમ્મી-મમ્મી કરતો દોડતો આવીને સ્વાતિના ચાના કપ પકડેલા હાથને અડક્યો ત્યારે જ સ્વાતિ
અચાનક અતીતના ઓરડામાંથી છલાંગ લગાવીને વાસ્તવિકતાની ઓસરીમાં આવી પડી. આજે સવારે સુધીર
સાથે નાની અમથી વાતમાં ચક-મક ઝરી હતી અને સુધીર નાસ્તો કર્યા વગર જ પગ પછાડીને
ઓફીસ જવા નીકળી ગયા હતા. “તે વાત વણસી જઈને તેના માતા-પિતાની જેમ છૂટાછેડા સુધી તો
નહિ પહોંચી જાયને...??” તે પ્રશ્ન યમરાજ બનીને સવારથી સ્વાતિની સામે આવીને ઉભો
રહેતો હતો. પરંતુ નાના અંશ સામે જોઇને “પોતાનું જીવન, કેરિયર જેમ ધૂળમાં રગદોળાઈ ગયું
તેવું નહીં થવા દે” એવી સ્વાતિએ પાલવના છેડે ગાંઠ મારી.
સાંજે સુધીર ઘેરે આવ્યા
ત્યારે પણ તેનો ગુસ્સો તો સવારથીએ વધારે ઊભરાતો હતો. પરંતુ એ ભડકે બળતા ગુસ્સાની
અગ્નિને, સ્વાતિએ શીતળ જળ રૂપી પ્રેમનો છંટકાવ કરીને પળવારમાં જ ઠંડી કરી દીધી.
સવારે જે બાબતમાં બોલાચાલી થઇ હતી, તે બદલ માફી માંગી લીધી. સુધીર પણ સ્વાતિને માફ
કરીને મુક્ત મને હસવા માંડ્યો. અંશ ડાઈનીંગ ટેબલ પર સવારનું અને સાંજનું બદલાયેલું
વાતાવરણ જોઈ જ રહ્યો.
આજ જયારે અંશ તેની માતાની
બીજી પુણ્યતિથી નિમિત્તે અનાથાશ્રમમાં દાન કરીને તેની કાર્યાલયમાં બેઠો છે, ત્યારે
ત્યાના સંચાલક શ્રીમતી શ્રોફ કે જે સ્વાતિના નજીકના મિત્ર હતા. તે અંશની મમ્મીની
લખેલી રોજનીશી કમ આત્મકથા જેવી એક ડાયરી આપે છે. તેમાંથી મમ્મીએ ટાંકેલો તે દિવસનો
પ્રસંગ વાંચીને અંશને તે બધી ઘટનાઓ યાદ આવે છે. મમ્મીના હાથમાં ચા નો કપ... અંશનું
મમ્મીને વળગી પડવું... મમ્મીનું એકદમ હેબતાઈને તંદ્રામાંથી બહાર આવવું... સવારે
પપ્પા સાથે ઝઘડો અને સાંજે સમાધાન... આ સાયકલ તેની મમ્મીએ લખેલી ડાયરીના આ એક પ્રસંગ
વાંચીને તેના મગજમાં સેટ થઈ ગઈ.
પોતે બેક્ટેરિયા જેવા
સુક્ષ્મ જીવો પર રીસર્ચ કરીને PHD થયો પણ જીવનના આ સ્થૂળ મર્મને હવે સમજી શક્યો કે
“મમ્મી-પપ્પાની વચ્ચેની નાની તિરાડ ક્યારેક તેમના જ સંતાનોના કેરિયરની મોટી ખીણ
બની જાય છે...”
No comments:
Post a Comment