Tuesday, 1 January 2013

My First Story

ખરી પ્રામાણિકતા

           S7/0029 નંબરની કન્ફર્મ ટિકિટ સાથે હું નવસારીથી અમદાવાદ પહોંચવા ‘ભુજ એક્સપ્રેસ’ માં ચઢ્યો. ભીડથી ઘમ-ઘમતું નવસારીનું સ્ટેશન છોડીને હું મારા બેગ-બીસ્ત્રા સાચવતો મારી જગ્યાએ પહોંચ્યો . મારી ટિકિટ સ્લીપિંગ કોચની હતી અને મને ઉપરની બર્થ મળી હતી. મારા કમ્પાર્ટમેન્ટમાં નીચેની બધી સીટો અગાઉથી જ ફુલ હતી અને મારી સીટ પર બે જણ બેસીને પત્તા રમી રહ્યા હતાં. મેં એક વાર ટિકિટ ખિસ્સામાંથી કાઢી નંબર બરાબર તપાસ્યો પછી પેલા બન્ને મહાશયોને કહ્યું કે ‘આ મારી જગ્યા છે.’ તેઓએ કહ્યું, ‘અંકલ બે જ મીનીટ રાહ જોશો… પ્લીઝ… એક ગેમ પૂરી કરી લઈએ.’ હું મારો સામાન વ્યવસ્થિત કરી સાઈડમાં ઉભા રહી રાહ જોવા લાગ્યો. 
         થોડી જ વારમાં બન્ને મિત્રોએ ગેમ પૂરી કરી એક-બીજાને હાથતાળીઓ આપી નીચે ઉતર્યા. પછી હું મારી સીટમાં ગોઠવાયો. અમારા કંપાર્ટમેન્ટમાં મેં નજર ફેરવી તો જાણે બગીચો હોય તેમ બધાજ પ્રકારનાં લોકો હતા. એક ઘરડા કાકા હાથમાં છાપુ લઈને નાક પર ચશ્માં ટેકવીને નજર ફેરવી રહ્યા હતા. તેની બાજુમાં એક કોલેજીયન જાણે છેલ્લી ઘડીએ પરીક્ષાની તૈયારી કરવા બેઠો હોય તેમ મેડીકલનાં થોથાં જેવી જાડી બુક વાંચી રહ્યો હતો. સામે બે યુવાન કપલ બેઠા હતાં. જેમાંના બન્ને પુરુષો મારી જગ્યા પર પત્તાં રમી રહ્યા હતાં તે જ હતાં. બાજુની બારી પાસે એક મધ્યમ વયનાં કોઈ પ્રોફેસર જેવા લાગતા સજ્જન આંખ મીંચીને વિચારે ચઢ્યા હતાં. અને તેની બરોબર સામે કોઈક સાધુ-બાવા જેવા લાગતાં એક ફકીર બેઠાં હતાં.

          ઉપરની સાઈડમાં મારા સિવાય હજુ કોઈ ઉપર સુવા માટે આવ્યું ન હતું. ફેરિયાઓ થોડી-થોડી વારે આવ-જા કરતા હતાં. ચા વાળો ડીપ-ડીપ… ડીપ-ડીપ… કરતો નીચે બેઠેલા બન્ને કપલને વાતોમાં ખલેલ પાડતો હતો. દાંત ન હોવા છતાં પેલા કાકા ઘણી વખત ચણા-ચોર ગરમવાળા તરફ અને વડાપાઉં વાળા તરફ છાપામાંથી મોઢું કાઢીને જોઈ લેતા હતાં.

             હું મારા કામમાં આખો દિવસ વ્યસ્ત રહીને થાકી ગયો હતો એટલે સુવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. એવામાં મારી નજર નીચે પડી. એક ફાટેલ કપડામાં અનેક થીગડાં મારેલી ભિખારી બાઈ, તેના હાથમાં તેડેલા નાગોડિયા છોકરા સાથે કાકલુદી કરતી ભીખ માંગી રહી હતી. ‘દયાળુ, ભિખારીને કંઈક આપો… ઉપરવાળો તમને સુખી કરશે… માઈ બાપ…!!’ તેમનાં અવાજમાં આજીજી હતી અને ભૂખનું દુઃખ દેખાઈ આવતું હતું. એ બાઈ કંપાર્ટમેન્ટમાં સાઈડમાં ઉભી ઉભી બોલી રહી હતી પણ તેમનાં ૧૪-૧૫ વર્ષનો એક પગે અપંગ છોકરો ભાંખોડિયાંભેર દરેક લોકો પાસે જઈને હાથ અડાડી અડાડીને કંઈક આપવા માટે આજીજી કરતો હતો. લોકોનાં તિરસ્કાર અને ધિક્કારમાં તેને ઘણીયે વખત હાથ પાછો લઈને પાછા ફરી જવાનું મન થઇ આવતું હશે પણ પાછળ ફરીને તે તેની માં સામે અને તેનાં નાગોડીયા ભાઈ સામે જોઈને તેનું હૃદય પાછું ભીખ માંગવા માટે હાથ લંબાવવા મજબુર કરતુ હતું. અને ફરી પાછો તે છોકરો પેસેન્જરોનાં પગને હાથ અડાડી હાથને મોં તરફ હલાવી ભૂખ્યો હોવાનું સૂચવતાં ભીખ માંગી રહ્યો હતો.

                 કંપાર્ટમેન્ટમાં બધા લોકો તેને હડધૂત કરતાં તિરસ્કાર કરી રહ્યા હતાં. પેલા કાકાએ તો ભિખારીનાં અડવાથી કપડા ના બગડે તે માટે પગ ઉપર લઇ લીધા. અને બબડ્યાં ‘સાલાઓ કોઈ કામ ધંધો નથી કરવો એટલે ભીખ માંગવા નીકળી પડ્યા છે…!’ બાજુમાં બેઠેલા કોલેજીયને પણ ટાપસી પુરાવી ‘હા અંકલ, આ લોકોને તો જ્યાં સુધી મફત ખાવાનું મળે ત્યાં સુધી કામ સામું જોતાં જ નથી અને એટલે જ અત્યારે મજુરોની તંગી છે. કોઈ મજુરી કરવા તૈયાર જ નથી ને.’
            ‘અત્યારે તો ભાઈ શેઠને નોકરની સામે નોકર બનીને રહેવું પડે છે ત્યારે નોકર ટકે છે.’ આંખો બંધ કરીને બેઠેલા પેલાં પ્રોફેસર જેવા લાગતાં ભાઈએ જંપલાવ્યું. ત્યાંતો પેલા બન્ને મિત્રોમાંથી એકે નેતાની જેમ ભાષણના સ્વરમાં કહ્યું કે : ‘ભારતમાં આ ગરીબી-ભૂખમરો વધારનાર આવા ભિખારીઓ જ છે.’
            બીજા એ સપોર્ટ કરતાં કહ્યું, ‘આવાઓને લીધે જ આપણા ભારતની આવી દુર્દશા થઇ છે.’ આ બધાની વાત શાંતિથી સાંભળી રહેલા પેલાં બાવા જેવા લાગતાં ફકીરે કહ્યું કે : ‘ભાઈ! દુનિયામાં આવું જ હોય છે. માંગવાથી મળી રહેતું હોય તો શા માટે લોકો મહેનત કરે…? જેને માન વહાલું ના હોય કે ઓછું વહાલું હોય તેઓ તો આ જ રસ્તો અપનાવાના…!’
             છાપાની ગળી વાળીને બાજુમાં મુકતાં કાકાએ કહ્યું ‘પાછા આ સાલ્લાઓ આવી ટ્રેનોમાં મફતમાં મુસાફરી કરતા હોય છે, ટી.સી. પણ તેઓને કંઈ કહેતા નથી હોતા…!’ પેલાં ત્રણે ભિખારીઓ તો જતા રહ્યાં પણ વાત હજુ પૂરી થવાને બદલે આગળ વધી રહી હતી. હું ઉપરથી નીચેનો તમાસો જોતા વલોવાતા હૃદયે આ વાત બંધ થાય તેની રાહ જોતો હતો. ત્યાં તો વાતે રૌદ્ર સ્વરૂપ પકડ્યું અને બધાને વાતમાં જાણે કોઈ મોટા ખજાનાની વાત ના કરતા હોય તેવા મશગૂલ થઈને રીતસર ભિખારી પ્રકરણ પર મરચાં વટવાનાં શરુ કર્યા. પેલા કાકા તો જાણે અગાઉ ટ્રેનમાં ટી.સી. ના રહી ચુક્યા હોય તેમ આવાં ભિખારીઓને મફતમાં મુસાફરી કરતા બંધ કરવા માટે બંડ પોકારતા હતાં ! મને હૃદયમાં ખૂબ આઘાત લાગ્યો કે આ લોકો ભલે ભિખારીને કંઈ ન આપે પણ એનાં વિશે કંઈ જ જાણતા ન હોવા છતાં અને એની શું પરિસ્થિતિ છે તેનો એક અંશ પણ ન જાણવા છતાં તેના વિશે મન ફાવે તેમ બોલતા હતાં. હું આ વાતાવરણથી તંગ આવી જઈ બાથરૂમ જવા માટે નીચે ઉતર્યો. બાથરૂમ બાજુ જતા મેં એક અદભુત દ્રશ્ય જોયું. ટિકિટ-ચેકર પેલી ભિખારી બાઈ પાસે ટિકિટ માંગતો હતો. મને થયું કે હવે આ ટી.સી. નાહકનો પેલી ભિખારી બાઈને વઢશે અને આગળનાં સ્ટેશને ઉતારી દેશે…! કદાચ દયા દાખવીને જવા પણ દે એવું પણ બને…!

            શું બને છે, તે જોવા હું થોડી વાર ત્યાં થોભ્યો. મારા આશ્ચર્ય વચ્ચે પેલી ભિખારી બાઈએ સાડલાના છેડા પરથી ગાંઠ છોડી ને તેમાંથી ટિકિટ કાઢી ટી.સી.ને બતાવી. હું પણ આંખો પહોળી કરી ટી.સી.ના ખભા પાછળથી ટિકિટમાં જોવા લાગ્યો. આજની જ ટિકિટ હતી અને બાળકની અને બાઈની એમ બંને ટિકિટ હતી. મને ખરેખર તે પ્રામાણિક બાઈ ઉપર ખુબ લાગણી ઉપજી. મને તે ભિખારીમાં એક સાચી પ્રમાણિકતા દેખાઈ. મારા ખિસ્સામાં હાથ નાખી જેટલું પરચુરણ નીકળ્યું તે અપંગ છોકરાનાં હાથમાં મૂકી હું બાથરૂમ તરફ વિચારતો વિચારતો આગળ વધ્યો.

             પાછા ફરતા હું મારા કંપાર્ટમેન્ટ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં ખુબ જ ભીડ હતી. જાણે કોઈ મુસાફર ગંભીર હાલતમાં હોય ને બધા ટોળે વળ્યા હોય તેમ લોકો એકઠાં થઇ ગયા હતાં. હું લોકોને આઘા પાછા કરી થોડો આગળ વધ્યો અને જોયું તો ટી.સી. અને પેલા ચશ્માવાળા કાકાની રકઝક ચાલતી હતી. વાતો પરથી મને ખ્યાલ આવ્યો કે ભિખારીઓને વગર ટિકિટે મુસાફરી કરવા બદલ ગાળો ભાંડતા પેલા કાકાએ જ ખુદ ટિકિટ નહોતી લીધી. એને એમ કે ટી.સી.ને થોડા ચા-પાણીના પૈસા આપીને છટકી જવાશે. પરંતુ દરરોજ થોડા સરખા ટી.સી. હોય છે ? જેમ સાગર કિનારે પડેલા શંખલાઓ અને છીપલાઓ વચ્ચે ક્યારેક જ મોટી પેટાળમાંથી નીકળી કિનારે આવ્યું હોય છે. તેમ પ્રામાણિક ટી.સી. આવી લાલચોમાં આવવાને બદલે કાયદેસરનાં જ પગલા લેતા હોય છે….! મને પેલા ભારતના ભાવી માટે બોલાયેલા કાકાના બધા શબ્દો યાદ આવવા લાગ્યા અને મારા હૃદયના ઊંડાણમાંથી એક સાદ સંભળાયો….
 
‘મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે,
ફુલડાં ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે…’


               ખરેખર ! દુનિયામાં પ્રમાણિક હોવાનો સ્વાંગ પહેરીને ફરતા લોકો જ સહુથી વધારે અપ્રમાણિકતાનાં ધંધા કરતા હોય છે અને પોતાના આવા કૃત્યો ને છૂપાવવા માટે જ બીજા તરફ આંગળી ચીંધતા હોય છે. પરંતુ આવા લોકોને એ નથી ખબર કે બીજા તરફ ચીંધાયેલી એક આંગળીની બાજુમાં રહેલી ત્રણ આંગળી તેની તરફ જ ઈશારો કરે છે કે : ‘હે માનવ ! તું જ સહુથી મોટો નાલાયક છો… બીજા સામે પછી આંગળી ચીંધજે….!!’ જીવનમાં માણસ જો પોતે જ પોતાને છેતરવાનું બંધ કરે તો આખી દુનિયા સુધરી જશે. જગત ને સુધારવા જવાની જરૂર નથી, જાતે સુધરી જવાની જરૂર છે. ખરું ને ?


No comments: